Ad Code

ખારપાટની જાગીરદારી

 ખારપાટની જાગીરદારી



બેસતાં વરસના દિવસે ગાદી બિછાવીને બાપુ બેઠાં, વીસ રૂપિયાની ધાણાદાળ વરિયાળીનું મુખવાસ અને થોડી સાદી બીડીઓ લાવીને થાળીમાં આવનાર મહેમાનો માટે મૂકી, સામે જાજમ બિછાવી અને એની ફાટેલી કોર વ્યવસ્થીત વાળી દીધી એટલે ફાટેલું ના દેખાય,
સાત વાગ્યા સૂર્ય ઉગ્યો અને પૂજા પાઠ પતાવી લોકો જેમ ધાર્મિક ક્રિયામાંથી નવરા પડ્યાં એમ મળવા આવવા લાગ્યાં, આવતા પગે લાગતા અને પાંચ દશ રૂપિયા અથવા શ્રીફળ પગે મુકતા અને બે ઘડી બેસતાં, અમુક લોકો આવતા પગે લાગતા અને તરત નીકળી જતા, આમ એક કલાક સિલસિલો ચાલ્યો, એવામાં એક ચારણ આવ્યાં અને બહાર ઉભા રહીને જોરથી તાડુક્યા કે જો અસલ રાજબીજ હોય તો મારી માંગણી પુરી કરો બાપુ,
બાપુની આંખો ફાટી રહી, ડેલીને રંગ કરવાના કે દરબાર ગઢને ચૂનો લીંપાવાનો વેત નહોતો અને હજુ પગમાંય ચાલીસેક રૂપિયા આવેલા અને આ ચારણ શું માંગશે ? ફફડાટ વધી ગયો, દશેક જણ બેઠેલા અને ચારણનો અવાજ ડેલીમાં પડછંદા પાડતો હતો, આજ આબરૂ જાવાની આ ચારણ આજ આ ગરીબ દરબારને નીચું દેખાડશે, પણ આખરે જાગીરદારી લોહી વ્હારે આવ્યું અને જડબાં મક્કમ થયાં અને શું માંગશે કઈં જીવ તો નઈ માંગેને આવું વિચારીને ગળા માં રહેલી ખરેરી દૂર કરવા આછો ખોંખારો ખાધો અને બાપુ બોલ્યાં કે હા બાપ બોલો શું માંગણી છે આપની, આપનો હક છે અને મારી ફરજ છે, પણ બેસોતો ખરા ! પણ ચારણ કહે બેસુંય ખરો તરસેય બવ લાગી સે બાપલા પણ પેલા મારો સવાલ અને પછી તમારો વિવેક,
પણ કઈંક ભજો તો ખબર પડે હું કઈં તમારે પેટે થોડો પેસી ને વાંચી લઉં કે સહદેવ જેવું ત્રિકાળ જ્ઞાન મારી પાસે નથી તો તમારા મનની વાત જાણું, તમેજ કહી દો,
શેર સાકર આખી સાત શ્રીફળ શેર મીઠાઈ ચપટીક અબીલ ગુલાલ અને નાળાછડી સવા પાંચ રૂપિયા એય ચાંદીના અબઘડી હાજર કરો,
બેસો કહેવાઈ ગયું પણ બાપુનું મગજ ચકરાવે ચડ્યું, ચારણ કો'કને આવવા દયો હું હંધૂંય મંગાવી લઉં, ચારણને લાગ્યું કે આપણી માંગણી દરબારે સ્વીકારી એટલે એય બેઠા અને પગ બન્ને ઉભા ગોઠવી કમરે બાંધેલ અજરખ ખોલીને બેય પગે બાંધીને આંટીયું ચડાવી દીધી એટલે કેડય ને ટેકો રહે અને મુખવાસની થાળીમાંથી બીડી લઈને લાંબા કશે પીવા માંડ્યા,
બાપુ ઉભા થયા આજે રેવો દમૂ કે ઉંમર રાણો કોઈ કેમ દેખાતા નથી, ચારણ ને જાતે પાણી પાયું અને હાલ લગા મેડી ચડ્યા લાકડાની સીડી ખખડી ગયેલી એટલે સાચવીને પગ મુકવા પડે અને અવાજેય બઉ કરે, ઉપર બાઈ હાથમાં સુપડો લઈને થોડું અનાજ સાફ કરતા હતાં બાપુએ વાત કરી તો બાઈ બવ ઠાવકા તરત હિસાબ કરવા લાગ્યા કે આટલા પૈસા થાય આ વસ્તુ લાવવામાં, અને ચાંદીના રૂપિયા તો માંગે એમ થોડા આલી દેવાય, આપણે લાલ કપડામાં બાંધીને બધું આલી દયો અને કહીદો કે આ પોટલીમાં તમે માંગેલી તમામ વસ્તુ છે એમ કહી આપી દો,
દરબાર નીચે ઉતર્યા થોડો પરસેવો અને થોડી ચિંતા એમના મોઢાપર સાફ વર્તાતી હતી, બેહો કવીરાજ એટલું બોલ્યાં અને ચારણે દુહો લલકાર્યો અને પછી બીજો અને ત્રીજો, આવનાર લોકોનેય રસ પડ્યો એય બેસી રહ્યાં ડાયરો મોટો થઈ ગયો, ભલે ગઢવી ભલે ના પોકારો પડવા લાગ્યા અને ચારણ પણ પુરા રંગમાં આવી ગયા એક પછી એક દુહા અને છંદની રેલમછેલ થવા માંડી, ઉંમર રાણો બાપુ નો જૂનો નોકર આવી ગયો અને આ નોકર એવો કે કોઈ મહેમાન આવી જાય અને જમવાનું માંગે ત્યારે ઘરમાં પૈસા ન હોય અને ઉંમર રાણો બજાર માં કારીયાણુ લેવા જાય ત્યારે ગમે તે કરે બેત્રણ મુસ્લિમ વ્હોરાની અને બે વાણિયાની કરીયાણાની દુકાનુંમાંથી સીધું ઉધાર સુધાર લઈને જ આવે, મહેમાન જમે અને ડેલીએ આડા પડે અને થોડો પોરો ખાઈને રવાના થઈ જાય આમ આ ઉંમર રાણો ડેલીની આબરૂ બચાવતો, પણ ડેલીએ આવેલા કોઈદી ભૂખ્યા ના જતાં,
ચારણે મંગાવેલ સામાન ઉંમર રાણો લઈ આવ્યો અને એક વાર ચા આવી, આવા શુભ દિવસે ચા તો કોઈ પિતા નહીં કસુંબા કરે, આદમ લંઘો એક ખૂણામાં અફીણ લઈને બેસે અને ઘોટી ઘોટી ને કસુંબો તૈયાર કરે ચારણ પણ ત્રણ ચાર વાર કસુંબો પી ગયા આદમે પણ થોડો વધારે ઘોટ્યો, કારણ એટલુંજ કે કેફ મા આવી જાય એટલે બીજું વધારે કાંઈ માંગે નઈ અને પાછળ ઉતારા માં સુવડાવી દેવાય, પણ આ ચારણ કઈંક નોખી માટીનો આંખમાં કેફ દેખાય પણ વાણી વર્તમાનમાં કોઈ ફરક ના પડે, ઉમર રાણાએ સામાન લાલ કપડામાં લપેટીને પોટકી ચારણની પાસે મૂકી ચારણે બેત્રણ વાર પોટકી હાથે ઉપાડીને ઊંચી નીચી કરી જાણે અંદર રહેલ વસ્તુનો વજન કરતા હોય એમ બાજુમાં મૂકી અને ડાયરો ભરચક ભરેલો મૂકી ચારણ ઉઠ્યાં અને રામે રામ કરીને બે હાથ જોડી હળવે પગલે દરબાર ગઢના ત્રણ પગથિયાં ઉતરી ગયા ઉતરતા કોકે હાથ ઝાલ્યો તો કહે ના બાપલા ના હું કેફમાં નથી પણ ગતિ બઉ ધીમી એટલે ખબર પડે કે ચારણ ને અફીણ ચડી ગયું હતું,
મોજડી પહેરતા ચારણના પગ ધરતી પર ઠેરતા નહોતા પણ તોય છેલ્લે એક ખૂબ મોટા અવાજે દુહો ગાઈ નાખ્યો, ભલે દસાડા ના દરબારો ભલે માં મોગલ તમારી મુઠીયું બંદ રાખે અને મારી માં મોગલ તમારી આબરૂના રખોપાં કરે એવી આશીસ દઈને લાલ કલરના કપડાંની પોટકી લઈને નીકળી ગયાં,
ડાયરા માં સન્નાટો છવાઈ ગયો જાણે કંઈક અચાનક ખોળિયામાંથી જીવ નીકળી ગયો હોય એવો અહેસાસ થવા લાગ્યો, અને થોડીવારે આદમ લંઘો ઉભો થયો કે બાપુ હવે કોકને બેહાડો મારી કેડ દુઃખી ગઈ, ત્યારે બધા જાણે હોશમાં આવ્યાં, કોણ હતો ક્યાં ગામનો ચારણ હતો, બાપુ તમે તો પૂછતાંય નથી કે ગામ કયું અને અમારાથી પુછાય નઈ,
અલ્યા ભાઈઓ ચારણ એટલે ચારણ એને ગામ ક્યાં અને ગરાસ ક્યાં, દરબારી ડેલિયુ હંધીય એના બાપની, મારે તો મહેમાન એટલે ભગવાન બરાબર અને એય પાછો ચારણ એટલે સવાલ નો નીકળે ભાઈ,
આ વાતને અઠવાડિયું વીત્યું હશે અને ગોળ ડાયલ વાળો ફોન રણક્યો, કાળો કલર બે કીલો વજન અને ફોનની રિંગ વાગે એટલે માણસ ઊંઘમાંથી ઉઠી જાય, બાપુએ ફોન ઉપાડ્યો, જય માતાજીની સામેથી અવાજ આવ્યો બાપુએ સામો જવાબ વાળ્યો, પાલનપુર સુખબાગ પેલેસ માંથી બી કે ગઢવી સાહેબ નો પીએ બોલું છું બાપુ ગઢવી સાહેબ આપની જોડે વાત કરવા માંગે છે, બાપુની ઉંઘ ભરેલી આંખો પહોળી થઇ ગઇ, પાલનપુર નવાબ સાહેબ ના ગઢવી ભૈરવ દાન મોટા ગજાનો આદમી અને કોંગ્રેસની સરકારમાં નાણાંમંત્રી નો હોદ્દો ધરાવતા નામના આખા ગુજરાતમાં અને આમ મુંબઇ અને આમ દિલ્લી સુધી ફેલાયેલી હતી, આઠ દિવસ પછી બી કે ગઢવીના દીકરાના લગ્ન પ્રસંગે પોતે ફોન કરીને આમંત્રણ આપે એટલે જવું ફરજીયાત કહેવાય, સાતેય કામ પડતા મેલી બાપુ તમો આવી જાજો એવું આમંત્રણ મળ્યું,
બાપુ સવારે વહેલી બસ પકડીને મહેસાણા અને ત્યાંથી સિધ્ધપુર અને સિધ્ધપુર થી અમારા મામા મુસ્તુફા ખાન પોલાદીની જીપ લઈને પાલનપુર પહોંચ્યા, ત્યાં ખૂબ ભાવથી સામૈયું થયું અને કઈ કેટલાય મંત્રીઓ રાજા રજવાડાં અને પાલનપુર નવાબ સાહેબ ના તમામ એડીસી અને ફરતા ગામના જાગીરદારો ત્યાં હાજર હતાં, બાપુના ઓળખીતા પણ ઘણા અને દસાડાને હંમેશા એ નવાબ સાહેબ હોય કે ફરતા ગામોના નાના મોટા જાગીરદારો હોય પણ માન મારતબો જાળવતા, બાપુ નાના જાગીરદાર અને ઘસારે પડી ગયેલા પણ મલાજો અને આબરૂ લોકોમાં હજુય એટલીજ, પણ ત્યાં બધાએ બઉ સન્માન કર્યું પાઘડીઓ બંધાવી અને વિદાય લેવાના સમયે બીકે ગઢવી સાહેબ બાજુમાં લઈ ગયા અને કહ્યું કે બાપુ તમારી એક જણ અંગત ભલામણ કરી ગયો છે, છે તો મારો નાતીલો પણ ક્યાંય કોઈને ઘેર જતો નથી અને જ્યાં જાય તે ઘરના દુઃખ બધા પોટકીમાં બાંધીને લઈ જાય માં મોગલનો ભગત છે અને મોગલ એની વાત ઉથાપતી નથી, હવે નિરાંતે ગાંધીનગર આવજો અને એ દિવસે ધંધા ની વાત કરજો,
ગઢવી સાહેબ મારી રજુઆત સાવ નાની છે આવ્યો છું તો હાલ લગો કેતો જ જાઉં, મારે એક ફેકટરી છે અને પૈસાના અભાવે બંધ પડી છે બસ વર્કિંગ કેપિટલની લૉન અપાવી દો, આપની ખૂબ મહેરબાની થશે ત્યારે ગઢવી સાહેબે જવાબ વાળ્યો કે તમારા ગામમાં કે આજુબાજુમાં કઈ બેન્ક છે તો બાપુએ જવાબ વાળ્યો કે સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર છે, બસ આપ જાઓ ચાર દિવસમાં કામ ના પતે તો મને ફોન કરજો આટલી વાત કરીને બાપુએ એ સાંજે પાલનપુર સુખબાગ પેલેસની વિદાય લીધી,
આ સુખબાગ પેલેસ દસાડા સાથેનું કનેક્શન એટલું કે એનું નામ અમારા દસાડા ના બાઈ શ્રી સુખાંબાઈ સાહેબ ત્યાં પાલનપુર નવાબસાહેબ સાથે પરણાવેલા હતાં આ પેલેસને એમના નામ પરથી સુખબાગ પેલેસ નામ આપવામાં આવ્યું હોવાની વાયકા છે અને એ મિલકત પછી વેચાઈ હોય કે જે થયું હોય તે પણ આજેય એ જાજરમાન ઇમારત નવાબીની શાન દેખાડતી ઉભી છે,
સાંજે સિધ્ધપુર પહોંચીને બાપૂ મુસ્તુફા ખાન પોલાદી ને ત્યાં રાત રોકાયા ત્યારે વિચારવાનો મોકો મળ્યો કે મારી ભલામણ એક બેસતાં વર્ષે આવેલ ચારણે કરી અને લાલ પોટકી માં મારા ઘરની પનોતી લઈ ગયો અને વાયણા વાળતો ગયો એ વાયણુ વાળી ને સિધ્ધપુર સરસ્વતી નદીમાં વિધિ કરીને સીધો સુખબાગ માં ગયો અને હાલત બયાન કરી દીધી, ભલે દુરનું પાલનપુર નું સગું પણ નવાબ સાહેબની શરમ અને મર્યાદા એ ગઢવીઓમાં કેવી હશે કે ખાનજી નામ પર લાખોની લૉન નો ઘડી ના છઠ્ઠા ભાગમાં હુકમ કરી અપાવી દીધી, રાજકોટથી રિજયોનલ મેનેજર દસાડા આવી સામે પગે બધું કામ પતાવી ગયા,
ધન્યવાદ એ ચારણ ના જે અમારા મહેમાન થયા,
ધન્યવાદ એ પાલનપુરના જાગીરદારોનો કે જેમણે ક્યારેય નાના કે ગરીબ હોવાનો એહસાસ ના થવા દીધો,
ધન્ય એ ધરા ને કે જેણે એવા નવાબો અને ચારણો પેદા કર્યાં કે જેમની યાદો આજેય અમારા દિલોમાં અમર છે....

- શાનવાઝખાન મુર્તુઝાખાં મલિક દરબાર ગઢ઼ ,દસાડા,તા.દસાડા,જી ,સુરેન્દ્રનગર

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *